લોકકથા

ખંભાતના વાણિયાની આ વાત છે.

એ મરવા પડ્યો ત્યારે પોતાના એકના એક દીકરા ધર્મપાળને બોલાવી તેણે કહ્યું: ‘બેટા, મારી પાસે કંઈ ધનમાલ નથી. મિલકતમાં હું તને મારા આશીર્વાદ દેતો જાઉં છું કે તારા હાથમાં ધૂળનું સોનું થઈ જજો ! ‘

દીકરાએ માથું નમાવી બાપના આશીર્વાદ ઝીલ્યા.બાપે સંતોષથી પ્રાણ છોડ્યા.

હવે ઘરનો ભાર ધનપાળના માથે આવ્યો. તેણે એક નાનકડી હાટડી શરૂ કરી. ધીરે ધીરે તેની કમાણી વધતી ચાલી. તેણે ધંધાનો વિસ્તાર કરવા માંડ્યો. ધંધાના વિસ્તાર સાથે કમાણી પણ વિસ્તરી. ગામના શ્રીમંતોમાં એની ગણતરી થવા લાગી.

એને ખાતરી હતી કે મારા પિતાના આશીર્વાદનું જ આ ફળ છે. પિતાએ આખી જિંદગી દુ:ખ વેઠ્યું, પણ ધીરજ ન ખોઈ, શ્રદ્ધા ન ખોઈ, પ્રમાણિકતા ન ખોઈ, તેથી એમની વાણીમાં બળ આવ્યું, તેમના આશીર્વાદ ફળ્યા, અને હું સુખી થયો.

તેના મોઢે આવી વાત સાંભળી એક જણે કહ્યું: ‘તમારા પિતામાં આવી તાકાત હતી, તો એ પોતે કેમ કશું કમાયા નહિ ?’

ધર્મપાળે કહ્યું: ‘હું પિતાની તાકાતની વાત નથી કરતો, પિતાના આશીર્વાદની તાકાતની વાત કરું છું.’

આમ જ્યારે ત્યારે એ બાપના આશીર્વાદના ગુણ ગાતો, તેથી લોકો મશ્કરીમાં તેને ‘બાપનો આશીર્વાદ’ કહી બોલાવતા. ધનપાળને એથી ખોટું લાગતું નહિ, એ કહેતો કે બાપના આશીર્વાદને લાયક નીવડું એટલે બસ.

આમ વર્ષો વીત્યાં. ધનપાળનો વેપાર ખૂબ વધ્યો. એનાં વહાણો દેશદેશાવર ફરતાં અને માલની લેવેચ કરતાં. એની કમાણીનો પાર ન હતો.

એકવાર એને થયું કે આમ વેપાર રોજગારમાં નફો જ નફો થયા કરે એ સારું નહિ, કોઈ વાર નુકસાનનો પણ અનુભવ કરવો જોઈએ. એણે એક મિત્રને કહ્યું: ‘દોસ્ત, કંઈ નુકસાનનો ધંધો બતાવ !’

મિત્રને થયું કે આને ધનનો મદ ચડ્યો છે; એ એવું સમજે છે કે થઈ થઈને મને શું નુકસાન થવાનું છે? કાનખજૂરાનો એક પગ ભાંગ્યો તોય શું? તો હવે એને એવો ધંધો દેખાડું કે ઊંધે માથે ખાડામાં પડે.

તેણે કહ્યું: ‘તો એમ કર ! વહાણમાં લવિંગ ભરી ઝાંઝીબાર વેચવા જા ! અવશ્ય એ ધંધામાં તને ખોટ જશે.’

ધર્મપાળને આ વાત બરાબર લાગી. ઝાંઝીબાર તો લવિંગનો દેશ, ત્યાંથી લવિંગ ભારતમાં આવે ને દશબાર ગણા ભાવે વેચાય. એ લવિંગ ભારતમાંથી ખરીદી ઝાંઝીબાર વેચવા જવું એટલે સીધી જ પાયમાલી.

ધર્મપાળે નક્કી કર્યું કે નુકસાનનો આ અનુભવ પણ લેવો. એટલે ભારતમાંથી મોંઘા ભાવે લવિંગ ખરીદી વહાણ લઈ તે ઝાંઝીબાર ગયો.

ઝાંઝીબારમાં સુલતાનનું રાજ્ય હતું. ધર્મપાળ વહાણમાંથી ઊતરી રેતીના લાંબા પટમાં થઈને બીજા વેપારીઓને મળવા જતો હતો. ત્યાં સામેથી આવતા સુલતાન એને મળ્યા. ખંભાત બંદરથી આવેલા વેપારીને જોઈ સુલતાને તેમનો આદર કર્યો.

ધર્મપાળે જોયું તો સુલતાનની સાથે સેંકડોની સંખ્યામાં સિપાઈઓ હતા. એ સિપાઈઓના હાથમાં ભાલા, તલવાર કે બંદૂક નહિ, ચાળણીઓ હતી ! એ જોઈ ધર્મપાળને નવાઈ લાગી. તેણે સુલતાનને વિનયપૂર્વક આનું કારણ પૂછ્યું.

સુલતાને હસીને કહ્યું: ‘વાત એમ છે કે આજે સવારે હું આ સમુદ્ર તટ પર ફરવા આવેલો. ફરતાં ફરતાં મારી આંગળીએથી એક વીંટી ક્યાંક નીકળી પડી. રેતીમાં વીંટી ક્યાં ગરી ગઈ એની ખબર પડી નહિ. રેતી ચાળી એ વીંટી શોધવા હું આ સિપાઈઓને અહીં લઈ આવ્યો છું.’

ધર્મપાળે કહ્યું: ‘વીંટી બહુ કીમતી હશે.’

સુલતાને કહ્યું: ‘ના, એનાથી ઘણી વધારે કીમતી વીંટીઓ મારી પાસે છે. પણ આતો એક ફકીરના આશીર્વાદની વીંટી છે. હું માનું છું કે મારી સલ્તનતનો પાયો એ આશીર્વાદ છે. એટલે મારે મન એ વીંટીનું મૂલ્ય સલ્તનત કરતાંયે વધારે છે.’

આટલું કહી સુલતાને કહ્યું: ‘બોલો, શેઠ, આ વખતે શું માલ લઈને આવ્યા છો ?’

ધર્મપાલે કહ્યું: ‘લવિંગ.’

લવિંગ ?’સુલતાનની નવાઈનો પાર ન રહ્યો. ‘આ લવિંગના દેશમાં તમે લવિંગ વેચવા આવ્યા છો? કોણે તમને આવી મતિ આપી ? નક્કી એ કોઈ તમારો દુશ્મન હશે. અહીં તો એક પૈસામાં મૂઠો ભરીને લવિંગ મળે છે. અહીં તમારા લવિંગનું શું ઉપજશે?’

ધર્મપાળે કહ્યું: ‘મારે એ જ જોવું છે. લાખોની ખોટ ખાવા માટે જ હું અહીં આવ્યો છું. આજ લગી જે ધંધો મેં કર્યો તેમાં મને હંમેશાં નફો જ થયો છે; મારા બાપના આશીર્વાદનું એ ફળ છે. એ આશીર્વાદ આજે અહીં કેવી રીતે કામ કરે છે તે મારે જોવું છે.’

સુલતાને કહ્યું: ‘બાપના આશીર્વાદ ? એ વળી શું?’

ધર્મપાળે કહ્યું: ‘મારા બાપ ગરીબ હતા. આખી જિંદગી તેમણે પ્રમાણિક્પણે કામ કર્યું હતું. પણ કદી બે પાંદડે થયા નહોતા. મરતી વખતે તેમણે ભગવાનનું નામ લઈ મારા માથા પર હાથ મૂકી મને આશીર્વાદ આપ્યા હતા કે તારા હાથમાં ધૂળનું સોનું થઈ જશે ! ‘

બોલતાં બોલતાં જુસ્સામાં આવી તેણે નીચા નમી મૂઠો ભરી સમુદ્રતટની રેતી લીધી ને ચાળણીની પેઠે આંગળાંમાંથી રેતી નીચે ઝરવા દીધી, તો એની નવાઈનો પાર ન રહ્યો.

એના હાથમાં હીરાજડિત સોનાની વીંટી હતી !

એ જ પેલી સુલતાનની ખોવાયેલી વીંટી !

વીંટી જોઈ સુલતાન ખુશ ખુશ થઈ ગયો. તે બોલી ઊઠ્યો: ‘વાહ ખુદા, તારી કરામતનો પાર નથી ! તું બાપના આશીર્વાદને સાચા પાડે છે !’

ધર્મપાળે કહ્યું: ‘ફકીરના આશીર્વાદને પણ એ જ સાચા પાડે છે !’

સુલતાન હેતથી ધર્મપાળને ભેટી પડ્યો. કહે: ‘માગ, માગ, માગે તે આપું.’

ધર્મપાળે કહ્યું: ‘આપ સો વર્ષના થાઓ અને રૈયતનું રૂડી રીતે પાલન કરો-એ સિવાય મારે બીજું કંઈ ન જોઈએ.’

સુલતાન અધિક ખુશ થયો. તેણે કહ્યું: તમારો બધો માલ હું મુદ્દલ કરતાં બમણી કિંમતે રાખી લઉં છું.’