જાગવું અને જાણવું પડે

શ્રાદ્ધ

● વિચાર્યું એકાદ શર્ટ લઈ લઉં તો ઠીક રહેશે પણ ત્યાં તો દિકરાનો જન્મદિવસ યાદ આવતાં જ બાપે પોતાના શર્ટ ખરીદવા ના વિચારનું તેજ ક્ષણે શ્રાદ્ધ કર્યું.

● આખો દિવસ દુઃખતી આંખો હવે ઊંઘવા માટે જાણે કે ઢળી પડતી હતી ત્યાં જ લાગ્યું કે દીકરાનું શરીર તાવને લઈને ગરમ છે, માએ તુરતજ પોતાની નિંદ્રા નું શ્રાદ્ધ કર્યું.

● રોજ હાથમાં સાવ જર્જરિત થઇ ગયેલી ઓફીસ બેગ લઈ જતા બાપે નવી બેગ ખરીદવાનું સપનું જોયું અને ત્યાં જ દિકરાની કૉલેજનો ખર્ચો યાદ આવતાં જ નવી ઑફિસ બેગના સપનાનું એજ ઘડીએ શ્રાદ્ધ કર્યું.

● પીઠમાં ક્યારેક સહન ના થાય એવા દુઃખાવાની ફરિયાદ કરતી માએ વૉશિંગ મશીન નું સપનું જોયું પણ દિકરાની સ્માર્ટ ફોન ખરીદવાની જીદ નજર સામે આવતાં, માએ એજ ક્ષણે વૉશિંગ મશીનના સપનાનું શ્રાદ્ધ કર્યું.

● બાપાના બૂટના તળીયા દેખાવા માંડતા નવા બૂટ ખરીદવા માટે બરોબર મન બનાવી જ લીધું હતું ત્યાં તો દિકરાને સ્પોર્ટ્સ શુઝ અપાવવાના આનંદમાં બાપે પોતાના બૂટ ખરીદવાના સપનાનું એક જ ઝાટકે શ્રાદ્ધ કર્યું.

હાલ તો બાપ વૃદ્ધાશ્રમ માં અને મા સ્વર્ગવાસી થઇ ગઇ છે. દિકરાના ભવિષ્ય માટે ના જાણે એમણે કેટ કેટલા શ્રાદ્ધ કર્યાં !

કેટલાક વર્ષો પછી દિકરો મા-બાપનું શ્રાદ્ધ કરતો હતો.

પોતે પિતાંબર પહેરી, કર્મકાંડી બ્રાહ્મણ દ્વારા પૂંજન અને પાઠ કરી છેલ્લે પિંડ બનાવીને કેળના પાન પર મૂકીને આ આ કરીને કાગડા ને બોલાવી રહ્યો હતો.

તેવામાં જ ક્યાંક થી ઉડતા ઉડતા બે કાગડા આવીને ખુશી ખુશી એ પિંડને ખાવા લાગ્યા.

મૃત્યુ પછી પણ દિકરાના આનંદ માટે બન્નેએ પોતાના આત્મસમ્માનનું પણ શ્રાદ્ધ કર્યું.

ધરતી પર રૂપ મા-બાપનું એજ વિધાતાની ઓળખ છે. જીવતાં જાળવી લેજો વ્હાલા..

મા તને ખમ્મા