મારે વિસર્જન કરવું છે…
સતત કોઈ સાથે રંજ કરવાવાળા, સ્વભાવનું
ઘણુંબધુ છે, છતાં કશું નથી એવા અભાવનું
શરીર અને મન પર લાગેલા, હરેક ઘાવનું
મારે વિસર્જન કરવું છે…
દેખતી છતાં આંધળી એવી આંખોનું
ખાલી ખોટા વહેમમાં ઉડતી પાંખોનું
દંભ ઈર્ષા ને માનમાં અક્કડ શાખોનું
મારે વિસર્જન કરવું છે…
અભાવ અવગુણ ને કુસંગની ગંધનું
કપટ ને કુસંપથી છળનાર પ્રબંધનું
ગુંગળામળ ઊભી કરતી એ સુંગધનું
મારે વિસર્જન કરવું છે…
મન બુદ્ધિમાં ભરેલાં મેલનું
ઉભાં કરેલા કેટલાંય ખેલનું
જાતને જાતે ઘાલેલી જેલનું
મારે વિસર્જન કરવું છે…
‘પરમ’ની પ્રાપ્તિમાં પણ અપૂર્ણતાનું
અક્ષર દૃષ્ટિ છતાં પણ અધિરતાનું
નાદારી ને વિષયની મોહ માયાનું
મારે વિસર્જન કરવું છે…
🌸જય જિનેન્દ્ર 🌸
